તૃતીય અધ્યાય – કર્મયોગ
અર્જુન ઉવાચ
જયાયસી ચેત્કર્મણે મતા બુદ્ધિર્જનાર્દન |
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ॥ ૧ ॥
અર્જુન બોલ્યા : હે જનાર્દન! જો તમે કર્મ કરતાં જ્ઞાનને ચઢિયાતું માનો છો, તો પછી હે કેશવ! મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? ॥ ૧ ॥
વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે |
તદેકં વદ નિશ્ર્વિત્ય યેન શ્રેયોડહમાપ્રુયામ્ ॥ ૨ ॥
તમે ભળતાં જેવાં વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ર્વિત કરીને કહો જેનાથી હું કલ્યાણ પામું. ॥ ૨ ॥
લોકેડસ્મિન્દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ |
જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ ॥ ૩ ॥
શ્રી ભગવાન બોલ્યા : હે નિષ્પાપ! આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા* મારા વડે પહેલાં કહેવાઇ ચુકી છે; એમનામાંથી સાંખ્યયોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ+ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ# દ્વારા થાય છે. ॥ ૩ ॥
————————————————————————————
* સાધનની પરિપકવ અવસ્થા અર્થાત્ પરાકાષ્ઠાનું નામ ‘નિષ્ઠા’ છે.
+ માયાથી જન્મેલા બધા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને તેમજ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનથી રહિત થઇને સર્વવ્યાપી સચ્ચિદાનન્દઘન પરમાત્મામાં એકાત્મભાવે સ્થિત રહેવું તેનું નામ ‘જ્ઞાનયોગ’ છે, આને જ ‘સન્યાસ’, ‘સાંખ્યયોગ’ વગેરે નામો અપાયા છે,
# ફળ તેમજ આસક્તિને છોડીને ભગવદાજ્ઞા પ્રમાણે કેવળ ભગવદર્થે સમત્વબુદ્ધિથી કર્મ કરવું તેનું નામ ‘નિષ્કામ કર્મયોગ’ છે, આને જ ‘સમત્વયોગ’, ‘બુદ્ધિયોગ’, ‘કર્મયોગ’, ‘તદર્થકર્મ’, ‘મદર્થકર્મ’, ‘મત્કર્મ’ વગેરે નામો દ્વારા ઓળખાવ્યું છે. ન કર્મણારમ્ભાન્નૈષ્કર્મ્યં પુરુષોડશ્નુતે | ન ચા સન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ ॥ ૪ ॥
માણસ ન તો કર્મોનો આરમ્ભ કર્યા વિના અર્થાત્ આચરણ કર્યા વિના નિષ્કર્મતાને* એટલે કે યોગનિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગમાત્રથી સિદ્ધિ એટલેકે સાંખ્યનિષ્ઠાનેય પામી શકે છે. ॥ ૪ ॥
ન હિ કશ્ર્વિત્ક્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ |
કાર્યતે હ્રવશ: કર્મ સર્વ: પ્રકૃતિજૈર્ગુણૈ: ॥ ૫ ॥
ખરેખર કોઇ પણ માણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો; કેમકે આખાય મનુષ્યસમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઇને કર્મ તો કરવું જ પડે છે. ॥ ૫ ॥
કર્મેન્દ્રિયાણિ સન્યમ્ય ય આસ્તે મનસા સ્મરન્ |
ઇન્દ્રિયાણિર્થાંવિમૂઢાત્મા મિથ્યાચાર: સ ઉચ્ચયતે ॥ ૬ ॥
જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર-ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત્ દમ્ભી કહેવાય છે. ॥ ૬ ॥
યસ્તિવન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેડર્જુન |
કર્મેન્દ્રિયૈ: કર્મયોગમસક્ત: સ વિશિષ્યતે ॥ ૭ ॥
પરંતુ હે અર્જુન! જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઇને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી શ્રેષ્ઠ છે. ॥ ૭ ॥
* જે સ્થિતિને પામેલા પુરુષનાં કર્મો અકર્મ બની જાય છે એટલે કે તે કર્મો ફળ ઉત્પન્ન નથી કરી શકતાં; એ સ્થિતિનું નામ ‘નિષ્કર્મતા’ છે.
નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જયાયો હ્રકર્મણ: |
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધયેદકર્મણ: ॥ ૮ ॥
આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્યકર્મ કર; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે, તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. ॥ ૮ ॥
યજ્ઞાર્થાત્કર્મણોડન્યત્ર લોકોડયં કર્મબન્ધન: |
કર્મ કૌંતેય મુક્તસઙ: સમાચર ॥ ૯ ॥
યજ્ઞનિમિત્તે કરવામાં આવતાં કર્મો સિવાયનાં બીજાં કર્મોમાં જોડાઇને જ આ મનુષ્ય-સમુદાયકર્મોથી બન્ધાય છે, માટે હે અર્જુન! તું આસક્તિ વિનાનો થઇને તે યજ્ઞનિમિત્તે જ સારી રીતે કર્તવ્યકર્મ કર. ॥ ૯ ॥
સહયજ્ઞા: પ્રજા: સ્રુષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ: |
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોડસ્ત્વિષ્ટકામધુક્ ॥ ૧૦ ॥
પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત્ સૃષ્ટિના આરમ્ભે યજ્ઞસહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઇચ્છિત ભોગ આપનાર થાઓ. ॥ ૧૦ ॥
દેવાંભાવયતાનેન તે દેવા ભાવયંતુ વ: |
પરસ્પરં ભાવયંત: શ્રેય: પરમવાપ્સ્યથ ॥ ૧૧ ॥
તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે; આ પ્રમાણે નિ:સ્વાર્થભાવે એક-બીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો.॥ ૧૧ ॥
ઇષ્ટાંભોગાન્હિ વો દેવા દાસ્યંતે યજ્ઞભાવિતા: |
તૈર્દત્તાપ્રદાયૈભ્યો યો ભુઙતે સ્તેન એવ સ: ॥ ૧૨ ॥
યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણમાગ્યે ઇચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે; આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે, તે ચોર જ છે.॥ ૧૨ ॥
યજ્ઞશિષ્ટાશિન: સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈ: |
ભુગ્જતે તે ત્વઘં પાપા યે પચંત્યાત્મકારણાત્ ॥ ૧૩ ॥
યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઇ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાન્ધે છે, તેઓ તો પાપને જ ખાય છે. ॥ ૧૩ ॥
અન્નાદ્વવંતિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવ: |
યજ્ઞાદ્વવતિ પર્જન્યો યજ્ઞ: કર્મસમુદ્વવ: ॥ ૧૪ ॥
બ્રહ્મોદ્વવં વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્વવમ્ |
તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ્ ॥ ૧૫ ॥
સઘળાં પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે, કર્મસમુદાયને તું વેદથી ઉદભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. ॥ ૧૪- ૧૫ ॥
એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ ય: |
અઘાયુરિન્દ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ ॥ ૧૬ ॥
હે પાર્થ! જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો, અર્થાત્ પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જીવે છે. ॥ ૧૬ ॥
યસ્તવામરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ર્વ માનવ: |
આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ ૧૭ ॥
પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. ॥ ૧૭ ॥
નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ર્વન |
ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ર્વિદર્થવ્યપાશ્રય: ॥ ૧૮ ॥
એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે નતો કર્મ ન કરવાથીયે કશું પ્રયોજન રહે છે તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશમાત્ર પણ સ્વાર્થનો સમ્બન્ધ નથી રહેતો. ॥ ૧૮ ॥
તસ્માદસક્ત: સતતં કાર્યં કર્મ સમાચાર |
અસક્તો હ્યાચરંકર્મ પરમાપ્નોતિ પૂરુષ: ॥ ૧૯ ॥
આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઇ હન્મેશા કર્તવ્યકર્મોને સમ્યક્ રીતે કરતો રહે, કેમકે આસક્તિ વિનાનો થઇને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. ॥ ૧૯ ॥
કર્મણૈવ: હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદય: |
લોકસંગ્રહમેવાપિ સંપશ્યંકર્તુમર્હસિ ॥ ૨૦ ॥
જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારાજ પરમ સિદ્ધિને પામ્યા હતા, તેથી તથા લોકસંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત્ તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. ॥ ૨૦ ॥
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જન: |
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ ૨૧ ॥
શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે, અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે; તે જે કંઇ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. ॥ ૨૧ ॥
ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિગ્ચન |
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨ ॥
હે પાર્થ! મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. ॥ ૨૨ ॥
યદિ હ્રહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિત: |
વર્ત્માનુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૨૩ ॥
કેમકે હે પાર્થ! જો કદાચ હું સાવધાન થઇને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઇ જાય, કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ॥ ૨૩ ॥
ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ |
સઙરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમા: પ્રજા: ॥ ૨૪ ॥
આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય અને હું સંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. ॥ ૨૪ ॥
સક્તા: કર્મણ્યવિદ્વાંસો યથા કુર્વંતિ ભારત |
કુર્યાદ્વિદ્વાંસ્તથાસક્તશ્ર્વિકીર્ષુર્લોકેસંગ્રહમ્ ॥ ૨૫ ॥
માટે હે ભારત! કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઇચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. ॥ ૨૫ ॥
ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસડિગ્નામ્ |
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્ત: સમાચરન્ ॥ ૨૬ ॥
પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત્ એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. ॥ ૨૬ ॥
પ્રકૃતે: ક્રિયમાણાનિ ગુણૈ: કર્માણિ સર્વશ: |
અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ॥ ૨૭ ॥
વાસ્તવમાં સઘળાં કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંત:કરણનો અજ્ઞાની ‘હું કર્તા છું’ એમ માને છે. ॥ ૨૭ ॥
તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયો: |
ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે ॥ ૨૮ ॥
પણ હે મહાબાહો! ગુણવિભાગ અને કર્મવિભાગના* તત્ત્વને+ જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો. ॥ ૨૮ ॥
———————————————————————————— * ત્રિગુણાત્મક
પ્રકૃતેર્ગુણસમ્મૂઢા: સજ્જન્તે ગુણકર્મસુ |
તાનકૃત્સ્નવિદો મન્દાંકૃત્સ્નવિન્ન વિચાલયેત્ ॥ ૨૯ ॥
પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. ॥ ૨૯ ॥
મયિ સર્વાણિ કર્માણિ સન્ન્યસ્યાધ્યાત્મચેતસા |
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વર: ॥ ૩૦ ॥
મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળાં કર્મોને મારામાં સમર્પીને ઇચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઇને તું યુદ્ધ કર. ॥ ૩૦ ॥
યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠતિ માનવા: |
શ્રદ્વાવંતોડનસૂયંતો મુચ્યંતે તેડપિ કર્મભિ: ॥ ૩૧ ॥
માયાનાં કાર્ય એવા પાંચ મહાભૂત તથા મન, બુદ્ધિ, અહંકાર તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે પાંચ વિષયો – આ સર્વના સમૂહનું નામ ‘ગુણવિભાગ’ છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ ‘કર્મવિભાગ’ છે. + ઉપર કહેલા ‘ગુણવિભાગ’ અને ‘કર્મવિભાગ’થી આત્માને અળગો એટલેકે નિર્લેપ જાણવો, એ જ એમના તત્ત્વને જાણવું છે.જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્વાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. ॥ ૩૧ ॥
યે ત્વેદભ્યસૂયંતો નાનુતિષ્ઠંતિ મે મતમ્ |
સર્વજ્ઞાનમૂઢાંસ્તાંવિદ્વિ નષ્ટાનચેતસ: ॥ ૩૨ ॥
પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. ॥ ૩૨ ॥
સદ્રશં ચેષ્ટતે સ્વસ્યા: પ્રકૃતેર્જ્ઞાનવાનપિ |
પ્રકૃતિં યાંતિ ભૂતાનિ નિગ્રહ: કિં કરિષ્યતિ ॥ ૩૩ ॥
સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઇને કર્મો કરે છે; જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે; એમાં કોઇનો દુરાગ્રહ શો કરવાનો?॥ ૩૩ ॥
ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ |
તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપંથિનૌ ॥ ૩૪ ||
ઇન્દ્રિય-ઇન્દ્રિયના અર્થમાં એટલેકે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છૂપાઇને રહેલા છે; માણસે એ બન્નેને વશ ન થવું; કેમ કે તે બન્નેય એના કલ્યાણમાર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. ॥ ૩૪ ||
શ્રેયાંસ્વધર્મો વિગુણ: પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ |
સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: ॥ ૩૫ ॥
સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે; પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. ॥ ૩૫ ||
અર્જુન ઉવાચ
અથ કેન પ્રયુક્તોડયં પાપં ચરતિ પૂરુષ: |
અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત: ॥ ૩૬ ॥
અર્જુન બોલ્યા : હે કૃષ્ણ! તો પછી આ માણસ પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ પરાણે જોડયો હોય એમ કોનાથી પ્રેરાઇને પાપનું આચરણ કરે છે? ॥ ૩૬ ॥
શ્રીભગવાન્ ઉવાચ
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્વવ: |
મહાશનો મહાપાપ્મા વિદ્વયેનમિહ વૈરિણમ્ || ૩૭ ||
શ્રી ભગવાન બોલ્યા : રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલેકે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે, આને જ તું આ બાબતમાં વેરી જાણ. ॥ ૩૭ ||
ધૂમેનાવ્રિયતે વહ્યિર્યથાદર્શો મલેન ચ |
યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ્ ॥ ૩૮ ॥
જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઇ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. ॥ ૩૮ ॥
આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા |
કામરૂપેણ કૌંતેય દુષ્પૂરેણાનલેન ચ ॥ ૩૯ ॥
હે કૌંતેય! આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. ॥ ૩૯ ॥
ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે |
એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્ ॥ ૪૦ ॥
ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ – એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કામ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારાજ જ્ઞાનને ઢાંકી દઇને જીવાત્માને મોહિત બનાવે છે. ॥ ૪૦ ॥
તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ |
પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ્ ॥ ૪૧ ॥
માટે હે ભરવંશીઓમાં શ્રેષ્ઠ! તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ॥ ૪૧ ॥
ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્ય: પરં મન: |
મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધે: પરતસ્તુ સ: ॥ ૪૨ ॥
ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત્ શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે; આ ઇન્દ્રિયો કરતાં મન પર છે ,મન કરતાંયે બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પરછે, તે આત્મા છે. ॥ ૪૨ ॥
એવં બુદ્ધે: બુદ્ધ્વા સંસ્ભ્યાત્માનમાત્મના |
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ॥ ૪૩ ॥
આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો! તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. ॥ ૪૩ ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્યવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોડધ્યાય: ॥ ૩ ॥
॥ કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત ॥
Koi j shabad nathi, tamara aa karma mate, khubaj saras che,, amra jeva loko mate kharekhar granth jetluj pujya che …
Abhinandan …
Nilay Parikh
nilayparikh@gmail.com
+091 998 079 4963
Khub Khub Abhinandan…
Atma ni unnati mate Bharat-varsh ma Shrimad Bhagvad Geeta saman bijo koi j granth nathi…Ape a amulya granth ne WEB upar mukine khub j sundar kam karyu chhe…
ek suchan karvanu man thay chhe, Aapne kyakthi Audio-link upalabdh thay to sathe sathe gata k sambhalta javay…
Deepak Joshi