જ્ઞાનકર્મસન્યાસયોગ

ચતુર્થ અધ્યાય – જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્રીભગવાન્ ઉવાચ

ઇમં વિવસ્તે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ |
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેડબ્રવીત્ ॥ ૧ ॥

શ્રી ભગવાન બોલ્યા : આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્ત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો. ॥ ૧ ॥

એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુ: |
સ કાલાનેહ મહતા યોગો નષ્ટ: પરંતપ ॥ ૨ ॥

હે પરંતપ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; પણ ત્યાર બાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઇ ગયો. ॥ ૨ ॥

સ એવાયં મયા તેડદ્ય યોગ: પ્રોક્ત: પુરાતન: |
ભક્તોડસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્ ॥ ૩ ॥

તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ મેં તને કહ્યો છે; કેમકે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલેકે ગુપ્ત રાખવાયોગ્ય વિષય છે. ॥ ૩ ॥

અર્જુન ઉવાચ

અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વત: |
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ || ૪ ||

અર્જુન બોલ્યા : આપનો જન્મતો અર્વાચીન – હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે એટલેકે કલ્પના આરમ્ભે થયેલો છે; તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરમ્ભે સૂર્યને આ યોગ કહ્યો હતો? ॥ ૪ ||

શ્રીભગવાન્ ઉવાચ

બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન |
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ॥ ૫ ॥

શ્રીભગવાન બોલ્યા : હે પરંતપ અર્જુન! મારા અને તારા ઘણા બધા જન્મો થઇ ચુક્યા છે; એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું . ॥ ૫ ॥

અજોડપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોડપિ સન્ |
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સમ્ભવામ્યાત્મમાયયા ॥ ૬ ॥

હું અજન્મા અને અવિનાશીસ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાંય પ્રાણીઓનો ઇશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું ॥ ૬ ॥

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |
અભ્યુત્થાન્મધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥ ૭ ॥

હે ભારત! જયારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલેકે સાકારરૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. ॥ ૭ ॥

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ |
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ॥ ૮ ॥

સાધુપુરુષોનો ઉદ્ધાર કરવા માટે,પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ॥ ૮ ॥

જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વત: | ત્યક્તવા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોડર્જુન ॥ ૯ ॥

હે અર્જુન! મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે- એમ જે માણસ તત્ત્વથી* જાણીલે છે, તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. ॥ ૯ ॥

વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતા: |
બહવો જ્ઞાનતપસા પૂતા મદ્વાવમાગતા: ॥ ૧૦ ॥

જેમના રાગ, ભય તથા ક્રોધ સમ્પૂર્ણપણે નાશ પામી ચુક્યા હતા તેમજ મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઇને મારા સ્વરૂપને પામી ચુક્યા છે. ॥ ૧૦ ॥

યે યથા માં પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ્ |
મમ વત્માર્નુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૧૧ ॥

હે પાર્થ! જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવાજ ભાવથી ભજું છું; કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. ॥ ૧૧ ॥

કાઙક્ષંત: કર્મણાં સિદ્ધિં યજંત ઇહ દેવતા: |
ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા || ૧૨ ॥

આ મનુષ્યલોકમાં કર્મોના ફળને ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે; કેમકે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. ॥ ૧૨ ॥

———————————————————————————— * સર્વશક્તિમાન સચ્ચિદાનન્દઘન પરમાત્મા અજ, અવિનાશી અને સર્વ જીવોની પરમ ગતિ અને પરમ આશ્રય છે, તેઓ કેવળ ધર્મને સ્થાપવા તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટેજ પોતાની યોગમાયાથી સગુણરૂપ ધરીને પ્રગટ થાય છે, માટે પરમેશ્વર જેવું સુહ્રદ, પ્રેમી અને પતિતપાવન બીજું કોઇ નથી, એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે, એ જ એમને તત્ત્વથી જાણે છે. ચાતુર્વણ્ર્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: | તસ્ય કર્તારમપિ માં વિદ્વયકર્તારમવ્યમમ્ ॥ ૧૩ ||

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર- આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે; આ પ્રમાણે એ સૃષ્ટિરચના વગેરે કર્મનો કર્તા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. ॥ ૧૩ ||

ન માં કર્માણિ લિમ્પંતિ ન મે કર્મફલે સ્પૃહા |
ઇતિ માં યોડભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ॥ ૧૪ ॥

કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતાં – આ પ્રમાણે જે મને તત્ત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બન્ધાતો. ॥ ૧૪ ॥

એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિ: |
કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વૈ: પૂર્વતરં કૃતમ્ ॥ ૧૫ ॥

પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યાં છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલાં કર્મોને જ કર. ॥ ૧૫ ॥

કિં કર્મ કિમકર્મેતિ કવયોડપ્યત્ર મોહિતા: |
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેડશુભાત્ ॥ ૧૬ ॥

કર્મ શું છે? અને અકર્મ શું છે? – એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઇ જાય છે; માટે તે કર્મતત્ત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલેકે કર્મબન્ધનમાંથી મુક્ત થઇ જઇશ. ॥ ૧૬ ॥

કર્મણો હ્યપિ બોદ્વવ્યં બોદ્વવ્યં ચ વિકર્મણ: |
અકર્મણશ્ર્વ બોદ્વવ્યં ગહના કર્મણો ગતિ: ॥ ૧૭ ॥

કર્મનું સ્વરૂપ પણ જાનવું જોઇએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઇએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઇએ; કેમકે કર્મની ગતિ અતિગહન છે. ॥ ૧૭ ॥

કર્મણ્યકર્મ ય: પશ્યેદકર્મણિ ચ કર્મ ય: |
સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્ત: કૃત્સ્નકર્મકૃત્ ॥ ૧૮ ॥

જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળાં માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. ॥ ૧૮ ॥

યસ્ય સર્વે સમારમ્ભા: કામસંકલ્પવર્જિતા: |
જ્ઞાનાગ્નિગ્ધકર્માણં તમાહુ: પણ્ડિતં બુધા: ॥ ૧૯ ॥

જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પન્ડિત કહે છે. ॥ ૧૯ ॥

ત્યક્તવા કર્મફલાસઙ નિત્યતૃપ્તો નિરાશ્રય: |
કર્મણ્યભિપ્રવૃત્તોડપિ નૈવ કિગ્ચિત્કરોતિ સ: ॥ ૨૦ ॥

જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમનાં ફળ પ્રત્યેની આસક્તિનો બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઇ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઇ જ નથી કરતો. ॥ ૨૦ ॥

નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહ: |
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ ૨૧ ॥

જેને કશાયની ખેવના નથી, અંત:કરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્યયોગી કેવળ શરીરસમ્બન્ધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. ॥ ૨૧ ॥

યદ્રચ્છાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સર: |
સમ: સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥ ૨૨ ॥

ઇચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઇનો જેનામાં સર્વ રીતે અભાવ થઇ ગયો છે, હરખ-શોક વગેરે દ્વન્દ્વોથી જે સમ્પૂરણપણે અતીત થઇ ગયો છે-એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બન્ધાતો. ॥ ૨૨ ॥

ગતસઙસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસ: |
યજ્ઞાયાચરત: કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥ ૨૩ ॥

જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઇ ચુક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞસમ્પાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યનાં સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઇ જાય છે. ॥ ૨૩ ॥ બ્રહ્માર્પણં બ્રહ્મ હર્વિબ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ |
બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મકર્મસમાધિના ॥ ૨૪ ॥

બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલેકે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મબુદ્ધિ કરવારૂપી બ્રહ્મકર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. ॥ ૨૪ ॥

દૈવમેવાપરે યજ્ઞં યોગિન: પર્યુપાસતે |
બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્યતિ ॥ ૨૫ ॥

બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક્ પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદદર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ* કરે છે. ॥ ૨૫ ॥

———————————————————————————– * પરબ્રહ્મ પરમાત્માં જ્ઞાન દ્વારા એકાત્મભાવે સ્થિત થવું એનેજ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા ‘યજ્ઞનો હોમ કરવો’ કહેવાય છે.

ક્ષોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સન્યમાગ્નિષુ જુહ્યતિ |
શબ્દાદીંવિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ ॥ ૨૬ ॥

અન્ય કેટલાક યોગીઓ ક્ષોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સન્યમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. ॥ ૨૬ ॥

સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે |
આત્મસન્યમયોગાગ્નૌ જુહ્યતિ જ્ઞાનદીપિતે ॥ ૨૭ ॥

અન્ય યોગીજનો ઇન્દ્રિયોના સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસન્યમયોગરૂપી અગ્નિમાં હોમી દે* છે. ॥ ૨૭ ॥

દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે |
સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ર્વ યતય: શંશિતવ્રતા: ॥ ૨૮ ॥

અન્ય કેટલાક માણસો દ્રવ્યસમ્બન્ધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ કરનારા છે. ॥ ૨૮ ॥

અપાને જુહ્યતિ પ્રાણં પ્રાણેડપાનં તથાપરે |
પ્રાણાપાનગતી રુદ્ધ્વા પ્રાણાયામપરાયણા: ॥ ૨૯ ॥
અપરે નિયતાહારા: પ્રાણાંપ્રાણેષુ જુહ્યતિ |
સર્વેડપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષા: ॥ ૩૦ ॥

બીજા કેટલાય યોગીજનો અપાનવાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે, તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે
———————————————————————————– * સચ્ચિદાનન્દઘન પરમાત્મા સિવાય અન્ય કોઇનુંય ચિંતન ન કરવું એ જ એ તમામને ‘ હોમી દેવા’ કહેવાય છે. આહાર* કરનારા પ્રાણાયામપરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાંજ હોમે છે; આ સઘળાય સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. ॥ ૨૯- ૩૦ ॥

યજ્ઞશિષ્ટામૃતભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ્ |
નાયં લોકોડસ્ત્યયજ્ઞસ્ય કુતોડન્ય: કુરુસત્તમ ॥ ૩૧ ॥

હે કુરુશ્રેષ્ઠ! યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય-લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય? ॥ ૩૧ ॥

એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે |
કર્મજાંવિદ્વિ તાંસર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨ ॥

આવા બેજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સમ્પન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્ત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબન્ધનથી પૂર્ણ રીતે છૂટી જઇશ. ॥ ૩૨ ॥

શ્ર્યાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞ: પરંતપ |
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥ ૩૩ ॥

હે પરંતપ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. ॥ ૩૩ ॥

તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા |
ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિન: ॥ ૩૪ ॥

એ જ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી લે; એમને યોગ્ય રીતે દન્ડવત્ પ્રણામ કરવાથી , એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મતત્ત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. ॥ ૩૪ ॥

યજજ્ઞાત્વા ન પુંર્મોહમેવં યાસ્યસિ પાણ્ડવ |
યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ ॥ ૩૫ ॥

જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાન્ડુપુત્ર! જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિ:શેષભાવે પહેલાં પોતાનામાં* અને પછી મુજ સચ્ચિદાનન્દઘન પરમાત્મામાં જોઇશ.+ ॥ ૩૫ ॥

અપિ ચેદસિ પાપેભ્ય: સર્વેભ્ય: પાપકૃત્તમ: |
સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસિ ॥ ૩૬ ॥

જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય, તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિ:સન્દેહ આખા પાપ-સાગરને સારી રીતે પાર કરી જઇશ.॥ ૩૬ ॥

યથૈધાંસિ સમિદ્વોડગ્નિર્ભસ્મસાત્કુરુતેડર્જુન |
જ્ઞાનાગ્નિ: સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ॥ ૩૭ ॥

કેમકે હે અર્જુન! જે રીતે ભડભડતો અગ્નિ ઘણાંબધાં ઇન્ધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. ॥ ૩૭ ॥

ન હિ જ્ઞાનેન સદ્રશં પવિત્રમિહ વિદ્યતે |
તત્સ્વયં યોગસંસિદ્ધ: કાલેનાત્મનિ વિન્દતિ ॥ ૩૮ ॥

માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિ:સન્દેહ બીજું કશું જ નથી; એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્વાંત:કરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. ॥ ૩૮ ॥

શ્રદ્ધાવાંલ્લભતે જ્ઞાનં તત્પર: સન્યતેન્દ્રિય: |
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ॥ ૩૯ ॥

જિતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલમ્બે તત્કાળ જ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઇ જાય છે. ॥ ૩૯ ॥

અજ્ઞશ્ર્વાશ્રદ્ધાનશ્વ સંશયાત્મા વિનશ્યતિ |
નાયં લોકોડસ્તિ ન પરો ન સુખં સંશયાત્માન: ॥ ૪૦ ||

પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ર્વિતપણે ભ્રષ્ટ થઇ જાય છે; આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક કે ન સુખ. ॥ ૪૦ ||

યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસંછિન્નસંશયમ્ |
આત્મવંતં ન કર્માણિ નિબન્ધ્નંતિ ધનગ્જય ॥ ૪૧ ||

હે ધનંજય! જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અંત:કરણના પુરુષને કર્મો નથી બાન્ધતા. ॥ ૪૧ ||

તસ્માદજ્ઞાનસમ્ભૂતં હ્યત્સ્થં જ્ઞાનાસિનાત્મન: |
છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ॥ ૪૨ ॥

માટે હે ભરતવંશી! તું હ્રદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકજ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઇ જા અને યુદ્ધ માટે ઊભો થઇ જા. ॥ ૪૨ ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્યવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનકર્મસન્યાસયોગો નામ ચતુર્થોડધ્યાય: ॥ ૪ ॥

॥ જ્ઞાનકર્મસન્યાસયોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત ॥

Published on August 16, 2006 at 1:47 pm Leave a Comment

The URI to TrackBack this entry is: http://bgita.wordpress.com/gyankarmasanyasyog/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment